જામનગર: ખીજડિયા પક્ષી અભયારણ્ય બ્લેક-નેક્ડ સ્ટોર્ક માટે ગુજરાતનું મહત્વપૂર્ણ પ્રજનન સ્થળ તરીકે સામે આવ્યું છે. તાજેતરના વૈજ્ઞાનિક અભ્યાસમાં અભયારણ્ય વિસ્તારમાં ચાર સક્રિય માળા નોંધાયા હતા અને દરેક માળામાંથી બે બચ્ચાં સફળતાપૂર્વક ઉડી શક્યાં હતાં.
અભ્યાસ ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશનના સંશોધકો દ્વારા કરવામાં આવ્યો હતો. અભ્યાસના સમયગાળામાં કુલ આઠ બચ્ચાં સફળતાપૂર્વક ઉછર્યાં હોવાનું નોંધાયું છે. આ પરિણામ ખીજડિયાના ભેજવાળા પર્યાવરણ અને પક્ષીઓ માટે ઉપલબ્ધ ખોરાક તથા સુરક્ષિત આવાસના મહત્વને દર્શાવે છે.
ખીજડિયા રામસર સાઇટ તરીકે આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવે છે. સંશોધન બાદ વન્યજીવન અને પક્ષી સંરક્ષણ ક્ષેત્રે જામનગરનું મહત્વ વધુ મજબૂત બન્યું છે. નિષ્ણાતો માટે આ માહિતી ભવિષ્યની સંરક્ષણ યોજના અને વસવાટ વ્યવસ્થાપન માટે ઉપયોગી બની શકે છે.




